Bank of Baroda સામે $15 અબજનો દાવો: NMCના સ્થાપક બી.આર. શેટ્ટી બોમ્બે હાઇકોર્ટ પહોંચ્યા
NMC Healthcare અને UAE Exchangeના સ્થાપક બી.આર. શેટ્ટીએ બેંક ઑફ બરોડા અને અન્ય પ્રતિવાદીઓ સામે બોમ્બે હાઇકોર્ટમાં $15 અબજના વળતરનો દાવો કર્યો છે. તેમણે ભંડોળની હેરાફેરીમાં મદદ અને બનાવટી સહીવાળી ગેરંટીના આધારે જવાબદારી ઊભી કરવાના આરોપ લગાવ્યા છે. આ આરોપો હજુ સુધી સાબિત થયા નથી.

NMC Healthcareના પતન સાથે જોડાયેલો વિવાદ હવે ભારતમાં મોટા વળતરના દાવા સુધી પહોંચ્યો છે. NMC Healthcare અને UAE Exchangeના સ્થાપક બી.આર. શેટ્ટીએ બેંક ઑફ બરોડા તથા અન્ય 25 પ્રતિવાદીઓ (Defendants) સામે બોમ્બે હાઇકોર્ટમાં $15 અબજ એટલે કે આશરે ₹1.44 લાખ કરોડનું વળતર માગ્યું છે. અરજીમાં બેંક, તેના કેટલાક અધિકારીઓ અને જૂથના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ્સ પર ગંભીર આરોપ મૂકાયા છે. જેને પગલે બેંક ઓફ બરોડાના શેરના ભાવ ઘટીને રૂ. 231.30 થયા છે, જે મંગળવારના રૂ. 238.43ના બંધ ભાવની સરખામણીએ ઓછા છે. વર્ષ 2026માં અત્યાર સુધીમાં આ શેરમાં 22.7 ટકાનો ઘટાડો નોંધાયો છે, જે નિફ્ટી 50 (જેમાં આ સમયગાળા દરમિયાન 13 ટકાનો ઘટાડો થયો છે) કરતા નબળું પ્રદર્શન દર્શાવે છે. બેંકનું માર્કેટ કેપિટલાઇઝેશન અંદાજે રૂ. 1.2 લાખ કરોડ રહ્યું હતું.
સમગ્ર બજારમાં નબળી શરૂઆત વચ્ચે આ ઘટાડો જોવા મળ્યો હતો. સવારે 9:18 વાગ્યે, સેન્સેક્સ 51.72 પોઈન્ટ અથવા 0.07 ટકા ઘટીને 72,982.06 પર હતો, જ્યારે નિફ્ટી 33.30 પોઈન્ટ અથવા 0.15 ટકા ઘટીને 22,688.65 પર પહોંચ્યો હતો. બજારનો વ્યાપ (market breadth) સકારાત્મક રહ્યો હતો, જેમાં 1,148 શેરોમાં ઘટાડા સામે 1,299 શેરોમાં વધારો જોવા મળ્યો હતો.
મળતી માહિતી મુજબ, બી.આર. શેટ્ટીએ ત્રણ માંગ કરી છે. કથિત છેતરપિંડી અને બેદરકારીથી થયેલા સીધા નુકસાન માટે $5 અબજ, બિઝનેસ અને રોકાણની તકો ગુમાવવા સહિતના પરિણામી નુકસાન માટે $5 અબજ અને પ્રતિષ્ઠા તથા વ્યવસાયિક વિશ્વસનીયતાને થયેલા નુકસાન માટે વધુ $5 અબજ માગવામાં આવ્યા છે. અરજીમાં બેંકના વર્તમાન અને ભૂતપૂર્વ અધિકારીઓ, NMC અને UAE Exchange સાથે સંકળાયેલા ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ્સ પ્રશાંત મંઘટ અને પ્રમોદ મંઘટ, તેમના સહયોગીઓ તથા Avitis Super Speciality Hospitals અને SMARD Building Solutions જેવી ભારતીય કંપનીઓનાં નામ સામેલ છે.
શેટ્ટીનો આરોપ છે કે બેંકે જૂથની કંપનીઓમાંથી ભંડોળની કથિત હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા વ્યવહારોને મંજૂરી આપી અને મની લોન્ડરિંગ સંબંધિત ચેતવણીઓની યોગ્ય તપાસ કરી નહીં. અરજીમાં 100થી વધુ ચેતવણીઓ બંધ કરાઈ હોવાનો દાવો પણ છે. તેમણે પૂરતી સુરક્ષા વિના ધિરાણ અને ઓડિટર્સ સમક્ષ સંબંધિત માહિતી જાહેર નહીં કરવાના આરોપ મૂક્યા છે. અરજદાર દાવો કરે છે કે કેટલીક ગેરંટી પર તેમની સહી બનાવટી છે અને તેમણે તે દસ્તાવેજો અધિકૃત કર્યા નહોતા. તેમના જણાવ્યા મુજબ, આમ છતાં બેંકે તેના આધારે તેમની સામે વસૂલાતની જવાબદારી ઊભી કરી. અરજદારે બેંકિંગ રેકોર્ડ, KYC દસ્તાવેજો, વ્યવહારની સૂચનાઓ અને આંતરિક અનુપાલન ચેતવણીઓ જાહેર કરવાની માંગ કરી છે.
બેંક ઑફ બરોડાએ જણાવ્યું કે બી.આર. શેટ્ટીના કેસના દસ્તાવેજો તેને સત્તાવાર રીતે મળ્યા નથી અને અદાલતમાં હજી ચકાસાયા ન હોય એવા આરોપો પર તે ટિપ્પણી કરી શકે નહીં. દસ્તાવેજો મળ્યા બાદ બેંક મજબૂત બચાવ કરશે અને પોતાના હિતોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેશે. બેંકના જણાવ્યા મુજબ, શેટ્ટી પાસેથી આશરે ₹2,800 કરોડની બાકી રકમ વસૂલવા ભારત અને UAEમાં કાર્યવાહી ચાલી રહી છે. બેંકે 2021માં કર્ણાટક હાઇકોર્ટે શેટ્ટીને સંપત્તિ વેચવા કે અન્ય રીતે નિકાલ કરવા પર રોક લગાવી હોવાનો અને ત્યારબાદ તેમણે NCLT સમક્ષ પોતે નાદાર હોવાનો દાવો કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. બેંકે વધુમાં જણાવ્યું કે સમાન આરોપો સાથે શેટ્ટીએ ન્યૂયોર્કમાં કરેલો કેસ જુલાઈ 2024માં ફગાવાયો હતો.
આ પણ વાંચો: RBIના નવા ફોરેક્સ નિયમોથી વિદેશી રોકાણ બંધ નહીં થાય, સટ્ટાબાજીને રોકવાનો છે પ્રયાસ: સંજય મલ્હોત્રા
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Closing Bell: ભારતીય શેરબજાર 400 પોઇન્ટની નજીક વધીને બંધ આવ્યુ, નિફ્ટી 24 હજાર નજીક પહોંચ્યો

મિડ ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ઝટકો લાગતાં ડોલર ગગડ્યો! એક મહિનાના તળિયે પહોંચ્યો Dollar Index

Today Market Update: સેન્સેક્સ નબળો ખુલી 400થી વધુ પોઈન્ટ ઉચકાયો

Stocks In News | 04 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Global Cues । 04 November 2026: ચાર દિવસની તેજી બાદ બજાર નબળું ખૂલશે? GIFT નિફ્ટી 44 પોઇન્ટ નીચે

Closing Bell: BSE સેન્સેક્સમાં સળંગ બે દિવસ 1,200થી વધુ પોઇન્ટની તેજી

Market Update Today : સેન્સેક્સ 1200 પોઈન્ટ, નિફ્ટી50એ 23,800ની સપાટી વટાવી બંધ


