લો બોલો! મેવા-મિઠાઈ મોંઘાં થતાં દિવાળી ગિફ્ટમાં બદલાયો ટ્રેન્ડ, સીડ્સ-મખાનાની માંગ વધી
ડ્રાયફ્રુટ, મિઠાઈ અને અન્ય ખાદ્ય ચીજોના ભાવ વધતાં દિવાળીની કોર્પોરેટ ગિફ્ટમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. કંપનીઓ હવે કાજુ-બદામ સાથે ચિયા, ફ્લેક્સ, પમ્પકીન અને સનફ્લાવર સીડ્સ ઉપરાંત ખજૂર અને મખાના તરફ વળી રહી છે.

દિવાળીના તહેવારમાં કોર્પોરેટ ગિફ્ટિંગનું બજાર આ વખતે બદલાતું જોવા મળી રહ્યું છે. ડ્રાયફ્રુટ અને મિઠાઈના ભાવમાં વધારાને કારણે ઘણી કંપનીઓ હવે પરંપરાગત ગિફ્ટના બદલે આરોગ્યપ્રદ ગણાતા સીડ્સ, મખાના અને ખજૂર તરફ વળી રહી છે. અખાતી વિસ્તારમાં યુદ્ધની અનિશ્ચિતતા, અલ નીનોની અસર અને ઊંચા નૂર ભાડાંને કારણે સુકામેવાના ભાવમાં વધારો થયો છે. બીજી તરફ ખાંડ, ચણા, ઘી અને અન્ય ખાદ્ય ચીજોના ભાવ પણ વધતાં કોર્પોરેટ ગિફ્ટનું બજેટ ખોરવાયું છે.
ડ્રાયફ્રુટ સાથે સીડ્સનું કોમ્બિનેશન
વાશી APMCના ડ્રાયફ્રુટ હોલસેલ બ્રોકર અશ્વિન ખોનાના જણાવ્યા મુજબ ખાસ કરીને પિસ્તા અને બદામના ભાવમાં વધારો થયો છે. કોર્પોરેટ કંપનીઓ સામાન્ય રીતે દિવાળી ગિફ્ટ માટે પહેલેથી બજેટ નક્કી કરતી હોય છે. ભાવ વધતાં હવે તેઓ કાજુ, બદામ અને કિસમિસ સાથે સીડ્સનું કોમ્બિનેશન પસંદ કરી રહી છે. મેલન સીડ, ફ્લેક્સ સીડ, પમ્પકીન સીડ, સનફ્લાવર સીડ અને ચિયા સીડનો ઉપયોગ હવે નવી પેઢીમાં વધ્યો હોવાથી કંપનીઓ પણ આ ટ્રેન્ડને ધ્યાનમાં રાખી રહી છે.
25થી 30% ઓર્ડરનો ટ્રેન્ડ બદલાયો
અશ્વિન ખોનાના જણાવ્યા મુજબ વાશી APMCમાં લગભગ 25થી 30% જેટલા કોર્પોરેટ ગિફ્ટ ઓર્ડર હવે પરંપરાગત ડ્રાયફ્રુટથી આગળ વધીને ડ્રાયફ્રુટ અને સીડ્સના કોમ્બિનેશન તરફ વળ્યા છે. આ ઉપરાંત ખજૂર અને મખાનાના ગિફ્ટ પેક માટે પણ માંગ વધી છે.
કેટલીક કંપનીઓએ બજેટ વધાર્યું
મુંબઈ મેવા મસાલા મર્ચન્ટ્સ એસોસિયેશનના અધ્યક્ષ યોગેશ ગણાત્રાના જણાવ્યા મુજબ મસ્જિદ બંદર વિસ્તારમાં કોર્પોરેટ ડ્રાયફ્રુટ ગિફ્ટના ઓર્ડર વધુ રહે છે. જે કંપનીઓ ગુણવત્તા સાથે સમાધાન કરવા તૈયાર નથી, તેમણે આ વર્ષે પોતાના ગિફ્ટ બજેટમાં વધારો કર્યો છે. બીજી તરફ મર્યાદિત બજેટ ધરાવતી કંપનીઓ ડ્રાયફ્રુટ સાથે સીડ્સનું કોમ્બિનેશન પસંદ કરી રહી છે.
આ પણ વાંચો: Expert Speaks : સોનું $4,000ની નીચે, દિવાળી પહેલાં શું કરવું?
₹1,000ની આસપાસના ગિફ્ટ હેમ્પરની સૌથી વધુ માંગ
વાશી માર્કેટમાં આવતા કુલ કોર્પોરેટ ગિફ્ટ ઓર્ડરમાં લગભગ 40% ઓર્ડર ₹1,000ની આસપાસની રેન્જના છે. લગભગ 40% ઓર્ડર ₹1,000થી ઓછી કિંમતના છે, જ્યારે આશરે 20% ઓર્ડર ₹2,000થી વધુ કિંમતના ઉચ્ચ ગુણવત્તાવાળા ડ્રાયફ્રુટ ગિફ્ટ હેમ્પર માટે આવે છે.
સીડ્સ અને મખાનાના હાલના ભાવ
વાશી માર્કેટમાં ચિયા સીડ્સનો ભાવ આશરે ₹200 પ્રતિ કિલો છે. સનફ્લાવર સીડ લગભગ ₹175 પ્રતિ કિલો, પમ્પકીન સીડ ₹700 પ્રતિ કિલો, મેલન સીડ ₹650 પ્રતિ કિલો અને મખાના ₹600થી ₹1,000 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.
મિઠાઈના ઓર્ડરમાં મોટો ઘટાડો
મુંબઈ મિષ્ટાન મંડળના સેક્રેટરી પ્રદીપ જૈનના જણાવ્યા મુજબ દિવાળીમાં કોર્પોરેટ ગિફ્ટ તરીકે મિઠાઈ આપવાનું ચલણ સતત ઘટી રહ્યું છે. ચોકલેટ, ડ્રાયફ્રુટ અને હવે સીડ્સ-મખાનાએ મિઠાઈનો હિસ્સો ઘટાડ્યો છે. તેમના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં ગિફ્ટ તરીકે મિઠાઈના ઓર્ડર લગભગ 50% ઘટી ગયા છે.
આ પણ જુઓ
Also Read

ખાંડ પછી ચોખાનો વારો! સરકારે Ethanol ઉત્પાદન માટે ચોખાના ઉપયોગ પર મર્યાદા નક્કી કરી

Gold Silver Price Today : ધનતેરસ પહેલાં સોનું ફરી ચમક્યું! MCX પર ₹1.42 લાખને પાર

અધધધ ઘઉંના વાવેતરમાં 94%નો મોટો ઘટાડો, બીજી બાજુ ભાવ ₹400 સુધી વધ્યા

Crude Oil Price : ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાના હુમલાથી ક્રૂડ ઓઈલમાં ફરી ઊછાળો, બ્રેન્ટ 105 ડોલરને પાર

Gold Silver Price Today: સોનું ₹1.39 લાખની નીચે, ચાંદીમાં 2.87%નો કડાકો! ફેડના નિર્ણયની અસર

Crude Oil: બ્રેન્ટ $105ની નીચે, અમેરિકા–ઈરાન મંત્રણાથી રાહતની આશા

Kashmir Saffron: હવામાન બદલાતા કાશ્મીરી કેસરની નવી આવકો વિલંબિત: ઉતારા વધતા ભાવમાં ઘટાડો




