પશ્ચિમ એશિયામાંથી ભારતની ઓઈલ ખરીદી યુદ્ધ પહેલાંના સ્તરે, રશિયા પર નિર્ભરતા ઘટી
સપ્ટેમ્બરમાં પશ્ચિમ એશિયાનો હિસ્સો 54% સુધી પહોંચ્યો, જ્યારે રશિયન ક્રૂડનો હિસ્સો ઘટીને 33.5% રહ્યો, પશ્ચિમ એશિયાથી દૈનિક 28 લાખ બેરલ આયાત, રશિયાથી ખરીદી માસિક ધોરણે 14% ઘટી

સાઉદી અરબના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુથી બળવાખોરોના હુમલાએ ફરી એક વખત ક્રૂડ ઓઈલના ભાવ 110 ડોલરથી ઉપર જતા રહ્યા છે અને દુનિયામાં ઓઈલનો પુરવઠો ખોરવાઈ જવાની આશંકા વધી છે. આવા સમયે સપ્ટેમ્બરમાં પશ્ચિમ એશિયામાંથી ભારતની ક્રૂડ ઓઈલની આયાત યુદ્ધ પહેલાંના સ્તર નજીક પહોંચી છે. ભારતે સપ્ટેમ્બરમાં પશ્ચિમ એશિયામાંથી ક્રૂડ ઓઈલની દૈનિક 28 લાખ બેરલ (બીપીડી) આયાત કરી છે, જે ફેબ્રુઆરી બાદ અત્યાર સુધીનું સૌથી ઊંચું સ્તર છે. બીજી બાજુ અમેરિકાના ટેરિફ પ્રતિબંધોના પગલે સપ્ટેમ્બરમાં ભારતની રશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત માસિક ધોરણે 14 ટકા ઘટીને 18 લાખ બેરલ પ્રતિ દિન રહી ગઈ છે. જહોજાના પરિવહન પર નજર રાખતા આંકડાઓ પરથી આ માહિતી સામે આવી છે.
રશિય ઓઈલની ખરીદી ઘટાડી પશ્ચિમ એશિયામાં વધારાઈ
ભારતની ઓઈલ રિફાઈનરીઓએ સપ્ટેમ્બરમાં પશ્ચિમ એશિયામાંથી ક્રૂડ ઓઈલની સ્પોટ ખેપોની ખરીદી વધારી હતી તેની પાછળનું મુખ્ય કારણ મધ્ય-પૂર્વના ઉત્પાદકો અને કારોબારીઓ દ્વારા હોર્મુઝની ખાડીના માર્ગે વધારેલો ઓઈલનો પૂરવઠો છે. તેનાથી ઈરાન યુદ્ધના કારણે પેદા થયેલા પૂરવઠા સંબંધિત અવરોધોમાં ઘટાડો થયો હતો. દુનિયાના ત્રીજા સૌથી મોટા ક્રૂડ ઓઈલ આયાતકાર ભારતે યુદ્ધની શરૂઆતમાં પશ્ચિમ એશિયામાંથી પૂરવઠો ઘટાડવાની ભરપાઈ રશિયન ઓઈલની ખરીદી વધારી કરી હતી. હવે રશિયન ઓઈલની ખરીદી ઘટાડવાની સામે પશ્ચિમ એશિયામાંથી ફરીથી ક્રૂડ ઓઈલની ખરીદી વધારી હોવાનું સૂત્રોનું કહેવું છે.
આંકડા મુજબ સપ્ટેમ્બરમાં ભારતે કુલ ક્રૂડ ઓઈલની આયાતમાં પશ્ચિમ એશિયાની ભાગીદારી વધારીને લગભગ 54 ટકા થઈ હતી, જે ઓગસ્ટમાં અંદાજે 32 ટકા હતી. તેનાથી વિપરિત ભારતની કુલ ઓઈલ આયાતમાં રશિયન ક્રૂડ ઓઈલની ભાગીદારી ઓગસ્ટમાં 46.6 ટકાથી ઘટીને સપ્ટેમ્બરમાં 33.5 ટકા રહી ગઈ છે.
રશિયન ઓઈલની ખરીદીમાં નરમાઈ જળવાઈ રહેવાની સંભાવના
ભારતીય રિફાઈનરીઓ દ્વારા આગામી મહિનાઓમાં રશિયન ઓઈલની ખરીદી ઓછી રહેવાની સંભાવના છે. એક ભારતીય રિફાઈનિંગ કંપનીના સૂત્ર મુજબ હવે રશિયન ઓઈલનો ભારત સુધી પહોંચવાનો કુલ ખર્ચ મધ્ય-પૂર્વના કેટલાક ઓઈલ ગ્રેડ, વિશેષરૂપે ઈરાકી ઓઈલની સમકક્ષ થઈ ગયો છે.
સૂત્રોએ જણાવ્યું કે, રશિયન ઓઈલ પર બ્રેન્ટ ક્રૂડની સરખામણીમાં પ્રીમિયમ ઘટીને 1થી 2 ડોલર પ્રતિ બેરલ રહી ગયું છે. જ્યારે તાજેતરના મહિનાઓમાં તે 10 ડોલર પ્રતિ બેરલથી વધુ હતું. પશ્ચિમ એશિયામાંથી પૂરવઠો વધારવાના કારણે કિંમતોમાં આ ફેરફાર જોવા મળ્યો છે. રિફાઈનરીઓ હવે છૂટછાટવાળા ભાવો પર ઉપલબ્ધ મધ્ય-પૂર્વના ક્રૂડ ઓઈલની ખરીદીને પ્રાથમિક્તા આપી શકે છે. તેનું એક કારણ એ પણ છે કે ત્યાંથી ઓઈલ લાવવામાં ઓછો સમય લાગે છે. આ સિવાય, કેટલાક ઉત્પાદકોએ વધતા માલ પરિવહન ખર્ચની ભરપાઈ માટે વેચાણ ભાવમાં કાપ પણ કર્યો છે. રિફાઈનિંગ ક્ષેત્રના એક સૂત્રે કહ્યું, અમે એવા દેશો પાસેથી ઓઈલ ખરીદીશું, જે અમને વધુ સારી કિંમત આપે.
સપ્ટેમ્બરમાં ભારતની ઓઈલની કુલ આયાત 20 ટકા વધી
આંકડા મુજબ સપ્ટેમ્બરમાં ભારતની કુલ ક્રૂડ ઓઈલની આયાત માસિક ધોરણે 20 ટકા વધીને લગભગ 53.3 લાખ બેરલ પ્રતિ દિન થઈ હતી. રશિયા ભારતનું સૌથી મોટું ક્રૂડ ઓઈલ પુરવઠાકાર બની રહ્યું. ત્યાર પછી સંયુક્ત આરબ અમિરાત (યુએઈ) અને ઈરાક ત્રીજા ક્રમે છે. ઈરાક સાથે ભારતની ઓઈલ આયાત સપ્ટેમ્બરમાં ઝડપથી વધીને લગભગ 8.30 લાખ બેરલ પ્રતિ દિવસ થઈ ગઈ જ્યારે ઓગસ્ટમાં તે માત્ર 1.71 લાખ બેરલ પ્રતિ દિવસ હતી.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

ખાંડ પછી ચોખાનો વારો! સરકારે Ethanol ઉત્પાદન માટે ચોખાના ઉપયોગ પર મર્યાદા નક્કી કરી

Gold Silver Price Today : ધનતેરસ પહેલાં સોનું ફરી ચમક્યું! MCX પર ₹1.42 લાખને પાર

અધધધ ઘઉંના વાવેતરમાં 94%નો મોટો ઘટાડો, બીજી બાજુ ભાવ ₹400 સુધી વધ્યા

Crude Oil Price : ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાના હુમલાથી ક્રૂડ ઓઈલમાં ફરી ઊછાળો, બ્રેન્ટ 105 ડોલરને પાર

Gold Silver Price Today: સોનું ₹1.39 લાખની નીચે, ચાંદીમાં 2.87%નો કડાકો! ફેડના નિર્ણયની અસર

Crude Oil: બ્રેન્ટ $105ની નીચે, અમેરિકા–ઈરાન મંત્રણાથી રાહતની આશા

Kashmir Saffron: હવામાન બદલાતા કાશ્મીરી કેસરની નવી આવકો વિલંબિત: ઉતારા વધતા ભાવમાં ઘટાડો




