Nana Patekar Net Worth: ₹35ના પગારથી કરોડોની સંપત્તિ સુધી
ફિલ્મોમાં લાંબી કારકિર્દી અને સફળતા છતાં તેમનું વ્યક્તિગત જીવન સાદગી માટે જાણીતું રહ્યું હતું. તેમની સંપત્તિમાં મુંબઈનું નાનું ઘર, ગોવાનું નિવાસસ્થાન અને પુણે નજીકનું ફાર્મહાઉસ મુખ્યત્વે સામેલ છે.

પ્રભાવશાળી અભિનય અને આગવી ડાયલોગ ડિલિવરી સ્ટાઈલ માટે જાણીતા અને ખેડૂતોનાં ‘હીરો’ ગણાતા હિન્દી અને મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું ગોવાના ડોના પાઉલા સ્થિત નિવાસસ્થાને ગુરુવારે વહેલી સવારે નિધન થયું હતું. તેમના પ્રભાવશાળી અભિનયની જેમ તેમની સંપત્તિ પણ કરોડોમાં હોવાનું જુદા જુદા અહેવાલોમાં દર્શાવાયો છે.
₹50થી ₹80 કરોડની સંપત્તિ
નાના પાટેકરની કુલ સંપત્તિ અંગે વિવિધ અહેવાલોમાં અલગ આંકડા જાહેર થયા છે. કેટલાક અંદાજ આશરે ₹50 કરોડ અને અન્ય ₹80 કરોડની નજીક સંપત્તિ દર્શાવે છે. તાજેતરના વર્ષોમાં તેઓ પ્રતિ ફિલ્મ આશરે ₹2થી ₹3 કરોડ મહેનતાણું મેળવતા હોવાનું પણ જણાવાય છે. ફિલ્મોમાં લાંબી કારકિર્દી અને સફળતા છતાં તેમનું વ્યક્તિગત જીવન સાદગી માટે જાણીતું રહ્યું હતું. તેમની સંપત્તિમાં મુંબઈનું નાનું ઘર, ગોવાનું નિવાસસ્થાન અને પુણે નજીકનું ફાર્મહાઉસ મુખ્યત્વે સામેલ છે.
અંધેરીનો 750 ચોરસ ફૂટનો ફ્લેટ
અહેવાલો મુજબ, પાટેકર જીવનનો મોટો ભાગ મુંબઈના અંધેરીમાં આવેલા આશરે 750 ચોરસ ફૂટના એક બેડરૂમના ફ્લેટમાં રહ્યા હતા. દાયકાઓ પહેલાં આ ફ્લેટ લગભગ ₹1.1 લાખમાં ખરીદાયો હતો. તેની હાલની કિંમત આશરે ₹3 કરોડ હોવાનું અનુમાન છે. તેઓ માતા સાથે આ ઘરમાં રહેતા હતા અને માતાના અવસાન પછી પણ ત્યાં રહેવાનું ચાલુ રાખ્યું હતું. અગાઉની મુલાકાતોમાં તેઓ પોતાની જરૂરિયાતો માટે આ નાનું ઘર પૂરતું હોવાનું કહેતા હતા. મુંબઈ ઉપરાંત ગોવામાં પણ તેમનું ઘર હતું. તેઓ મુંબઈ, ગોવા અને પુણે વચ્ચે સમય વહેંચતા હોવાનું જણાવાય છે.
પુણે નજીક 27 એકરનું ફાર્મહાઉસ
પુણેના ખડકવાસલા નજીક પાટેકરનું આશરે 27 એકરમાં ફેલાયેલું ફાર્મહાઉસ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. તેમાં સાત રૂમ અને મોટો હોલ હતો. અહીં ઘઉં અને ડાંગરની ખેતી થતી હતી અને ઉપજ મહારાષ્ટ્રમાં વેચાતી હતી. ખેતીમાંથી મળતી કમાણીનો હિસ્સો ખેતમજૂરો અને સ્થાનિક ખેડૂતોને આપવામાં આવતો હોવાનું પણ જણાવાય છે. પુણેના લૉ કૉલેજ રોડ પર તેમનું અલગ ઘર હોવાનું અહેવાલોમાં ઉલ્લેખ છે. તેમના વાહનોમાં મહિન્દ્રા જીપ CJ4, ઑડી Q7 અને મહિન્દ્રા સ્કોર્પિયો સામેલ હોવાનું જણાવાય છે.
‘ગમન’થી શરૂ થયેલી યાદગાર કારકિર્દી
પાટેકરે 1978માં ‘ગમન’થી હિન્દી ફિલ્મોમાં શરૂઆત કરી હતી. ‘પરિંદા’, ‘તિરંગા’, ‘વનવાસ’, ‘ક્રાંતિવીર’, ‘પ્રહાર’, ‘વજૂદ’, ‘અબ તક છપ્પન’, ‘વેલકમ’ અને ‘નટસમ્રાટ’ જેવી અનેક યાદગાર ફિલ્મોમાં તેમના અભિનયે અલગ ઓળખ ઊભી કરી હતી. તેમની કારકિર્દીમાં ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, ચાર ફિલ્મફેર પુરસ્કાર અને બે મહારાષ્ટ્ર રાજ્ય ફિલ્મ પુરસ્કાર સામેલ છે. સિનેમા અને કળામાં યોગદાન બદલ તેમને 2013માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ખેડૂત પરિવારોની મદદ માટે આગળ આવ્યા
નાના પાટેકર સામાજિક સેવાકાર્ય માટે પણ જાણીતા હતા. વર્ષ 2015માં મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત ખેડૂત પરિવારોને તેમણે મદદ કરી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. લાતુર અને વિદર્ભના સોથી વધુ અસરગ્રસ્ત પરિવારોને વ્યક્તિગત રીતે ₹15,000ના ચેક આપ્યા હતા.
₹35ના માસિક પગારથી જીવનની શરૂઆત
1 જાન્યુઆરી 1951ના રોજ મહારાષ્ટ્રના મુરુડ જંજીરામાં જન્મેલા પાટેકરનું મૂળ નામ વિશ્વનાથ હતું. પરિવારના વ્યવસાયમાં મુશ્કેલી ઊભી થતાં બાળપણમાં જ તેમને આર્થિક સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. તેમણે મુંબઈના ચુનાભટ્ટીમાં ફિલ્મોના પોસ્ટર બનાવવાનું કામ માસિક ₹35ના મહેનતાણે શરૂ કર્યું હતું. પાટેકરે 1978માં નીલકાંતિ પાટેકર સાથે લગ્ન કર્યા હતા. બાદમાં બંને અલગ રહેતા હતા. તેમના પરિવારમાં પુત્ર મલ્હાર પાટેકર છે.
આ પણ વાંચો: JioHotstar, Netflix અને Prime Video: જાણો OTT પ્લેટફોર્મની કમાણીનું ગણિત
આ પણ જુઓ:
Also Read

Rapidoની વાર્ષિક ગ્રોસ ઓર્ડર વેલ્યુ 4 અબજ ડોલર પર પહોંચી

દવા કંપનીઓ માટે નવા નિયમની તૈયારી! દરેક બેચનું અલગ સર્ટિફિકેટ જરૂરી

દિવાળી પહેલાં અમૂલે આપ્યો મોંઘવારીનો ઝટકો! ઘીમાં ₹50 અને બટરમાં ₹15નો વધારો

Motor Insurance Rules 2026 : હવે પોતાની મરજીથી પસંદ કરો ઈન્શ્યોરન્સ કવર, જાણો IRDAIનો આ નવો નિયમ

US Mid Term Electionમાં ટ્રમ્પનાં પક્ષનો રકાસઃ ભારતને ક્યાં ફાયદો અને ક્યાં નુકસાન

Defence Sector: 2029 સુધીમાં ₹3 લાખ કરોડનું ઉત્પાદન અને ₹50,000 કરોડની નિકાસનું લક્ષ્ય

સોનું મોંઘું થતાં દાણચોરો સક્રિય! 3 વર્ષમાં ગેરકાયદે આયાતમાં 1500%નો વિક્રમી ઉછાળો




