જાપાની રોકાણકારોને ગુજરાતનું આમંત્રણ! ટોક્યોમાં હર્ષ સંઘવીની 20 બેઠકો, 2 રાઉન્ડટેબલ સંવાદ
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં જાપાન પ્રવાસે ગયેલા ગુજરાતના પ્રતિનિધિમંડળે ટોક્યોમાં એક જ દિવસમાં 20 મહત્વપૂર્ણ બેઠકો અને 2 રાઉન્ડટેબલ સંવાદ યોજ્યા. સુઝુકી, JERA, ટોક્યો ઇલેક્ટ્રોન, સુમિતોમો કેમિકલ અને મારુબેની સહિતની કંપનીઓ સાથે ગુજરાતમાં રોકાણ અને ઔદ્યોગિક વિસ્તરણ અંગે ચર્ચા થઈ.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં ગુજરાતે જાપાનમાં રોકાણ આકર્ષવા માટે પોતાની તૈયારીઓ તેજ કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળના ગુજરાત પ્રતિનિધિમંડળે ટોક્યોમાં એક જ દિવસમાં 20 મહત્વપૂર્ણ બેઠકો અને 2 રાઉન્ડટેબલ સંવાદો યોજ્યા હતા. જાપાનના સરકારી અગ્રણીઓ અને વિવિધ ક્ષેત્રોની અગ્રણી કંપનીઓ સાથે ગુજરાતમાં નવા રોકાણ, ટેક્નોલોજી સહયોગ અને ઔદ્યોગિક વિસ્તરણની તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

જાપાન સરકારના અગ્રણીઓ સાથે વ્યૂહાત્મક ચર્ચા
ગુજરાતના પ્રતિનિધિમંડળે જાપાનના વિદેશ રાજ્ય મંત્રી નાકાસોને યાસુતાકા સાથે બેઠક કરી હતી. તેમાં ભારત-જાપાન અને ખાસ કરીને ગુજરાત-જાપાન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા તેમજ વ્યૂહાત્મક ભાગીદારી આગળ વધારવા અંગે ચર્ચા થઈ હતી. ઇવાતે પ્રીફેક્ચરના ગવર્નર તાકુયા તાસો સાથે પ્રાદેશિક વિકાસ, ઔદ્યોગિક નીતિઓ અને પરસ્પર ક્ષમતા નિર્માણ અંગે વિચારવિમર્શ થયો હતો. જ્યારે જાપાનના અર્થતંત્ર, વેપાર અને ઉદ્યોગ મંત્રાલય એટલે કે METIના ડાયરેક્ટર જનરલ તનાકા કાઝુશિગે સાથે દ્વિપક્ષીય વેપાર, રોકાણ પ્રોત્સાહન અને નીતિગત સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સુઝુકીથી સેમિકન્ડક્ટર સુધી રોકાણની તકો
ઓટોમોબાઇલ ક્ષેત્રમાં સુઝુકી મોટર કોર્પોરેશનના રિપ્રેઝન્ટેટિવ ડિરેક્ટર અને પ્રેસિડેન્ટ તોશિહિરો સુઝુકી સાથે બેઠકમાં ગુજરાતમાં ઓટોમોબાઇલ ક્ષેત્રના વિસ્તરણ, ઇલેક્ટ્રિક વાહન ઇકોસિસ્ટમ અને વેન્ડર પાર્ક્સના વિકાસ અંગે ચર્ચા થઈ હતી. સુઝુકીના વેન્ડર્સ સાથે વિશેષ રાઉન્ડટેબલ સંવાદ પણ યોજાયો હતો. JERAના સીઈઓ ઇઝુમી કાઈ સાથે સ્વચ્છ ઊર્જા, વીજ ઉત્પાદન અને ગ્રીન ટ્રાન્ઝિશન સંબંધિત સંભવિત પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા થઈ હતી. ટોક્યો ઇલેક્ટ્રોનના ચેરમેન તાકેશી ઓકુબો સાથે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ઇક્વિપમેન્ટ સપ્લાય ચેઇન અને ગુજરાતના સેમિકન્ડક્ટર હબમાં સંભવિત રોકાણ અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.

કેમિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રે પણ ફોકસ
પ્રતિનિધિમંડળે સુમિતોમો કેમિકલ સાથે સ્પેશિયાલિટી કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે સહયોગ અંગે ચર્ચા કરી હતી. ફુરુકાવા ઇલેક્ટ્રિક સાથે ફાઇબર ઓપ્ટિક્સ, ટેલિકોમ્યુનિકેશન અને એડવાન્સ મટિરિયલ્સ આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સંભવિત રોકાણની તકો અંગે વાતચીત થઈ હતી. મારુબેની કોર્પોરેશન સાથે વૈશ્વિક સપ્લાય ચેઇન અને ગુજરાતમાં ટ્રેડિંગ પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા થઈ હતી. મોરીરીન લિમિટેડ સાથે ટેક્સટાઇલ ક્ષેત્રે નવી ટેક્નોલોજી અને ઉત્પાદન એકમોની સ્થાપનાની તકો અંગે સંવાદ થયો હતો. આ ઉપરાંત હોન્ડા મોટર, ક્યોવા લેધર, સનરિયો, મેઇરાકુ કોર્પોરેશન, નિસ્સેઇ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રિયલ, JFE સ્ટીલ, ઓત્સુકા ફાર્માસ્યુટિકલ્સ, MUFG બેંક અને SMBC સહિતના જૂથો સાથે પણ બેઠકો યોજાઈ હતી.

Vibrant Gujarat Global Summit માટે જાપાની કંપનીઓને આમંત્રણ
સમગ્ર દિવસ દરમિયાન ગુજરાત પ્રતિનિધિમંડળે રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગોને અનુકૂળ નીતિઓ, સરકારી સહાય અને વ્યવસાયની સરળતા અંગે જાપાની કંપનીઓ અને રોકાણકારોને માહિતી આપી હતી. જાપાની કંપનીઓ, રોકાણકારો અને ઉદ્યોગ અગ્રણીઓને ગુજરાતમાં રોકાણ, વિસ્તરણ અને લાંબા ગાળાની ભાગીદારીની તકો શોધવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. સાથે જ આગામી Vibrant Gujarat Global Summitમાં સહભાગી થવા પણ હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : કૃષિ યોજનાઓની માહિતી હવે એક જ ક્લિકમાં! ખેડૂતો માટે Agri Welfare Portal લોન્ચ
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

National Trading Conclave 1.0 : ટ્રેડર્સ માટે ખાસ Conclave! અમદાવાદમાં મળશે 1,000થી વધુ HNI Traders અને Investors સાથે જોડાવાની તક

ગુજરાતના ઉદ્યોગો માટે ગ્લોબલ તક! FTAથી ₹9.77 લાખ કરોડની નિકાસને મળશે વેગ

ખેતરથી સીધા ગ્રાહક સુધી પહોંચશે પ્રાકૃતિક ઉત્પાદનો! વલસાડમાં ‘પ્રભા’ કેન્દ્રની શરૂઆત

હવે બસમાં બેઠાં-બેઠાં માણો આકાશનો નજારો! સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લક્ઝરી Vista Dome સેવા શરૂ

ગુજરાતનો વિકાસ હવે ડિજિટલ નકશા પર! વિકસિત ભારત @2047 તરફ મોટું પગલું

NTC 1.0: અમદાવાદમાં યોજાશે નેશનલ ટ્રેડિંગ કોન્ક્લેવ, ભારતના અગ્રણી ટ્રેડર્સ અને માર્કેટ એક્સપર્ટ્સ એક મંચ પર આવશે

દિવાળીમાં વતન જવાની ચિંતા છોડો! ST દોડાવશે 1,150 વધારાની ટ્રિપ




